એ હંમેશની જેમ લિફટ પાસે ધીમા પગલે આવી રહ્યાં હતાં, અને મેં પણ હંમેશની જેમ લિફટનો દરવાજો બંધ થતો અટકાવ્યો.આમ જુઓ તો પરિચય કાંઈ ન હતો, હું એમનું નામ પણ જાણતી ન હતી અને આ ઓળખાણમાં એ જરુરી ન હતું !! એમની ઉંમર સાઠ- પાંસઠ હશે પણ લાગતી હતી સિત્તેર -પંચોતેર, બેઠી દડીનો બાંધો, સાવ ઘસાયેલો સાડલો, જેનો રંગ કે ડિઝાઈન કળાય નહીં, ધોળા વાળને ઓળ્યા વિના જ વાળી હોય એવી નાની લિંબુ જેવડી ગાંઠ અને મોટા જાડા કાયના ચશ્મા. ફિક્કો ચહેરો; કયારેય સ્મિત જોયું નથી, જ્યારે પણ આભાર દર્શાવવા મારી સામે જૂએ ત્યારે દયામણી, થાકેલી નજરે જોઈ રહે. મારે ઓફિસ જતાં-આવતાં ઉપરના માળે જવા-આવવાનું થતું ત્યારે એ મોટેભાગે પહેલા માળેથી જ ચઢે કે ઊતરે, અને એની શરિરાકૃતિ જોતાં મને હંમેશા પુછવાનું મન થતું કે આ ઉંમરે અને આવા શરીરે કામ કેમ કરો છો, પણ એવો અવિવેકી સવાલ પૂછતાં જીભ ઉપડતી નહીં.
વચ્ચે થોડાં દિવસ એ બહેન દેખાયાં નહીં ત્યારે મનોમન ખુશ થતાં મેં વિચાર્યું કે હાશ ચાલો એમના ઘરમાં કોઈકને તો સદ્બુધ્ધિ સૂઝી કે એમને કામ છોડાવ્યું. પણ વળી એક દિવસ એવી જ થાકેલી, ધીમી ચાલે મેં એમને આવતાં જોયાં અને આ વખતે ત્રીજા માળે ઉતર્યાં.એક દિવસ વળી ત્રીજા માળેથી ચઢીને પહેલા માળે ઉતર્યાં, એનો મતલબ તો એમણે એકના બે કામ કરવા માંડ્યાં. મને બહુ જ નવાઈ લાગી.ઉપરાંત એમને કામ પર રાખનારાં લોકોને પણ મેં મનોમન હૃદયહીન, જડ,વગેરે શું શું કહી નાંખ્યું.
એક દિવસ ફરી હું એમને દૂરથી આવતાં જોઈ લિફટનો દરવાજો પકડી ઊભી હતી, બહાર બહુ જ ગરમી હતી, જેવાં એ અંદર દાખલ થયાં કે એ ચક્કર આવવાને કારણે બેસી પડ્યાં. હુ એમને પહેલા કે ત્રીજા માળના બદલે સીધી ઉપર મારા ઘરે જ લઈ ગઈ.ગ્લુકોઝ નાંખી લિંબુપાણી આપ્યું અને થોડીવાર પંખા નીચે આરામથી બેસવા કહ્યું. આ આખો વખત એક જાતના અપરાધભાવથી પિડાતાં હોય એમ સંકોચાઈને એક ખૂણે બેસી રહ્યાં.મારાથી રહેવાયું નહીં, બોલી જવાયું..”ઈસ ઉમ્રમેં ઔર ઐસી ગરમીમેં આપકો કામ પે નહીં આના ચાહિયે.”..એ પહેલી વાર મારી સામે કરુણામિશ્રિત સ્મિત કરી બોલ્યાં….”તો ખાયેંગે ક્યા…”
હું અવાચક રહી ગઈ.એવાં કેવાં સંતાનો હશે જે આ ઉંમરમાં મા-બાપને ખુદ કમાઈને ખાવા માટે મજબૂર કરી દે. મેં આખરે પૂછી જ નાંખ્યું ….”ક્યું બેટી-બેટા કોઈ હૈ નહીં કમાનેવાલ?”..એણે કહ્યું…..”હાં બેટા તો હૈ બીસ-બાઈસ કા…”
મેં ઉતાવળા મનને માંડ માંડ રોક્યું, (તો ય એમના દિકરાને, જેને હું જરાય ઓળખતી ન હતી એને મનોમન એકાદ શ્રાપ તો દઈ જ દીધો.)એમના મનને જ જાતે ઉઘડવા દીધું.એમણે એક પછી એક જીવને આપેલા ઘાની વાત પોતાના ક્ષીણ અવાજમાં કરી. એમનાં પતિ એક કાપડની મોટી દુકાનમાં કામ કરતાં હતાં, ઈમાનદાર અને મહેનતી સ્વભાવથી શેઠનાં વિશ્વાસુ હતાં. એ બેઉ પતિ-પત્ની સુખ અને સંતોષથી જીવતાં હતાં.એ બહેનનાં મા-બાપ નાનપણમાં જ ગુજરી ગયાં હતાં, ભાઈ-બહેન નહીં, ન કોઈ નજીકનું સગું.એક દૂરની વિધવા ફોઈએ ઉછેર્યાં અને એ પણ એમને પરણાવીને જાણે ઋણ પૂરું થયું હોય એમ આ દુનિયા છોડી પરલોકની યાત્રાએ ઉપડી ગયાં હતાં.એ એમનાં પતિ સાથે રાજસ્થાનનું નાનકડું ગામ છોડીને મુંબઈ આવ્યાં ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે ક્યારેય પાછા જવાનું નહીં થાય.સાસુ-સસરા ગામ છોડી ક્યારેય મુંબઈ આવ્યાં નહીં અને એઓ જ્યારે મૃત્યુ પામ્યાં ત્યારે લાંબી ખર્ચાળ મુસાફરી હોવાથી પતિ એકલા જ દેશમાં જઈને દાડો-પાણી કરી આવ્યા.ઉપરાંત એ જ અરસામાં એમનાં લાંબા લગ્નજીવન પછી મોટી ઉંમરે સારા દિવસો જતા હતા એટલે મુસાફરી ટાળવી એમ પતિ-પત્નીએ હિતાવહ ગણ્યું હતું.જ્યારે દિકરો જનમ્યો ત્યારે તો સ્વર્ગ વેંત જ છેટે હતું! એકધારું બોલીને થાક્યા એટલે થોડીવાર માટે ચૂપ થઈ ગયાં, પછી કહે…”.મુઝે પહેલે માલે કી ભાભી કે ઘર છોડ દો…”. મને મનમાં દબાવેલી ચીડ રોકતા ન આવડ્યું, બોલી પડાયું….”.ઐસી હાલતમેં આપ કામ કૈસે કર સક્તે હૈં ?….વો ક્યા એક દિન કે લિયે ભી આપકો છોડેગી નહીં..?” એ ફિક્કું હસીને બોલ્યાં,… “ઉસકો મેરી ઉતની જરુરત નહીં જીતની મુઝે ઉસકી હૈ.”…હું પ્રશ્નાર્થથી એમની સામે જોઈ રહી…એ ક્ષણવાર અટકીને બોલ્યાં….”ઉનકી મહેરબાની સે હી આજ હમ મા-બેટે અપના ગુજારા કર રહે હૈ….”
એમનાં દિકરા નું મોં જોયા પછી એમના પતિ એની ખુશી ભોગવવા બહુ જીવ્યા નહીં, અથવા કહો કે મોટા આઘાતમાંથી બચી ગયા. દિકરાનો શારિરીક વિકાસ થયો પણ માનસિક ઉંમર બે-ત્રણ વર્ષ પર અટકી ગઈ હતી. શેઠની માનવતાને કારણે પતિનાં ગયા પછી આ આવી પડેલા અકલ્પનિય આઘાતમાંથી રસ્તો કાઢવાનું બળ મળ્યું.આવું બાળક કોઈ પૂર્વજન્મનાં પાપનું ફળ કે કોઈ દેવી-દેવતાનાં કોપને લિધે મળેલો શ્રાપ ન હતું, એમ શેઠની પુત્રવધૂ, જે ખૂબ ભણેલી હતી એણે સમજાવ્યું અને એને માટેના નિષ્ણાતની સલાહ લઈ, એનાં જેવાં જ બીજા બાળકો માટે ચાલતી ખાસ શાળામાં એને મૂકાવ્યો હતો.એને રોજ સ્કૂલમાં મૂકી એ કામે આવતા.અહીં એ સાંજ સુધી નાના-મોટાં કામમાં વ્યસ્ત રહેતાં અને સાંજે પોતાનું અને દિકરા માટેનું ખાવાનું ટિફીન ભરી, દિકરાને સ્કૂલેથી લઈ ઘરે જતાં.ત્રીજા માળે પણ કામ આ શેઠના દિકરાની વહુએ જ અપાવ્યું હતું, જેનાથી પોતાની નાની-મોટી જરુરિયાત માટે કોઈ પાસે હાથ લંબાવવો પડતો નહીં.
એમની ખરી ચિંતા તો એ હતી કે મને કાંઈ થશે તો દિકરાને કોણ જોશે.મારી જીંદગી તો વીતી ગઈ, દિકરાની જીંદગી કોના સહારે વીતશે મને એમની હમણા સુધી દયા આવતી હતી, તે એમની આપવીતી સાંભળ્યા પછી માનમાં પલટાઈ ગઈ.એ સાવ ઓછું ભણેલી નાનકડા રાજસ્થાનના ગામડામાં ઉછરેલી સ્ત્રી, મને ખુદ્દારીનો પાઠ ભણાવી ગઈ.મારું વિચારવું કેટલું ભૂલભરેલં હતું. આપણે કોઈને મળીન, જોઈને જે ધારી લઈને, અજાણતાં જજ બની બેસીએ છીએ, એ કેટલું અધૂરં, અજ્ઞાનપૂર્ણ છે
આ દુનિયામાં દરેક માણસ પોતાનો ક્રોસ પોતાને ખભે ઉપાડીને યાલતો જ હોય છે, આપણે ન એની મુસાફરી ટુંકાવી શકીએ, ન એનો બોજ લઈ શકીએ પણ એના વિશે મન ફાવે તે ધારી લઈને, જજ બનીને એનો બોજ વધારીએ નહીં તોય ઘણું છે.
-નેહલ