ગમતાંનો કરીએ ગુલાલ નાં કવિ, ગુજરાતી ભાષાનાં કબીર, ટાગોર કે પછી મિરાંબાઈ કહો…શ્રી મકરંદ દવે મારા પ્રિય કવિ છે.
દરિયા પછી
કોને કહી રહ્યો છું, મને પાર ઉતારો?
દરિયા પછી છે દરિયો, ન દરિયાનો કિનારો.
આ ધુમ્મસી ગઢેય ભલા, આગ લગાડી?
માગ્યો જ્યાં તારી તાપણીથી એક તિખારો.
ગુમનામ દિશાઓની સફર છે, ઓ ખલાસી !
સળગી ઊઠ્યો જો, મારી નનામીનો સિતારો.
મારા ઉપર ગજબ તેં ગુજારી તો ગુજારી,
આંખોની રોશની બન્યો છે રાતગુજારો.
આ શ્વાસની કમાણી ને ઉચ્છ્વાસની ખરચી,
સિલક ન જમા કોઈ, તો ન કોઈ ઉધારો.
આવ્યા-ગયાનો ખ્યાલ નથી કોઈનો મને,
પગલાં સૂણીને માત્ર, કહ્યું છે કે પધારો.
-(27-1-1975)
-અમલપિયાલી-મકરંદ દવેની કવિતામાંથી
– સંપાદન અને પ્રસ્તાવના-સુરેશ દલાલ