ઉત્સવ પછી – કે. સચ્ચિદાનન્દન [મલયાલમ કવિતા]

હું પ્રતીક્ષા કરી રહ્યો છું તમારા પાછા આવવાની
પીપળા નીચેના આ છાપરા નીચે
કેવળ એક પતાકા, જેને લોકો ઉતારવી ભૂલી ગયા છે
પીપળાની એક ડાળ પર ફરફરી રહી છે.
એક બગીચો ભાંગેલી બંગડીઓનો, ફૂટેલા ફૂગ્ગા અને
સંતરાની છાલનો
ગોપુરમના દ્વાર પર રહી ગયેલી એક ચંપલ
ચાલી ચૂકેલ રસ્તાને તે યાદ કરી રહી છે
હાથીઓના પેંડોલમાં થઈને તું નાની દીકરી સાથે ચાલી ગઈ
જે શણગાર ઉતારી લેવામાં આવ્યો છે
પીપળાનાં પાંદડાઓએ કેટલીક ભયાનક ચીજો જોઈ છે
એ કંપી રહ્યાં છે વ્રુદ્ધાના મોતને વાગોળતાં
અવાજની જેમ, અને હું મંદિરની બહાર ઊભો છું
નાસ્તિક અધીરતા સાથે આશ્ચર્ય પામી રહ્યો છું
તું ઈશ્વર પાસે શું માગી રહી છે ?
પ્રેમની અગ્નિપરીક્ષામાં ઊંચું સ્થાન
દીકરીઓ માટે નિષ્કંટક માર્ગ ?
અંતિમક્રિયા માટે એક પુત્ર ? આપણી શાંતિ માટે ?
બધા માનવીઓ માટે સુખ ?

તમારી બધી પ્રાર્થનાઓ ફળે
પણ આ ઈશ્વર* જેણે એક જોડી ચંપલની
ચોકી કરી હતી, ગઈકાલે તે ચોકીદાર કરી રહ્યો હતો
બે હજાર ચંપલોની, મેં દયાથી જોયું
શું આ એકાકી ઈશ્વર જેણે શોધ્યો આશ્રય
નંદીગ્રામમાં, અયોધ્યાના અંધારાથી ગભરાઈને
શું આ ઈશ્વર અમારાં બાળકોને આશ્રય આપી શકશે ?
શું આ પૂર્વજ, જે નિસાસા નાખે છે
નાશ પામતા પોતાના વંશ માટે, બચાવી શકશે
ધરતીને નષ્ટ થતી ?

જો આપણે ન સમજી શક્યા ઈશ્વરને તો પણ ઈશ્વર આપણને
સમજી લેશે

તેં નાની બાળકીને પણ શીખવ્યું છે
તેં મુકાવ્યો છે એક ઘસાયેલો સિક્કો
તેના નાનકડા હાથોથી

સિક્કાની મારફતે અશોક વાત કરે છે
એ સૂર્યવંશી સાથે, એક ચક્ર+ માં ફેરવાઈ ગયો છે
મહાન સમ્રાટોનો કોઈ શિલાલેખ નથી જે
સીતાની અગ્નિપરીક્ષાની મનાઈ કરતો હોય, આજે પણ
માત્ર વરસાદ પડી રહ્યો છે

અરણ્યકાંડો અને અનુશાસન પર્વો પર
કાળા અને ગોરા સમ્રાટો પર
જે આવતા-જતા રહ્યા છે.
વરસાદ એક્ધારો પડી રહ્યો છે

કુરુક્ષેત્ર અને જલિયાંવાળા બાગ, નૌઆખલી અને
નક્સલવાડી, આખું ય યુદ્ધક્ષેત્ર ભીનું થઈ રહ્યું છે, ધોવાઈ રહ્યું છે
દરેક મહાપ્રસ્થાનમાં, શહીદો પાછળ શરણાર્થીઓનું પૂર
આવી રહ્યું છે.
આ પૂર એક પ્રલય જગાડી રહ્યું છે, જેને કારણે દરેક રસ્તો
બંધ થઈ ચૂક્યો છે.
પીપળાનાં પાંદડાઓએ તે પહેલેથી જ જોયું છે

અમે ત્રણ શરણાર્થીઓ
પાછા વળીએ છીએ એક જ છત્રીમાં
બાળકીની બન્ને તરફ છીએ અમે
તેને હત્યારા વરસાદથી ભીંજાતી બચાવવા
મારો આકાર બદલાઈ ચૂક્યો છે ઓળખાય નહીં તેટલો
તને બેચેન કરે છે
હું ગૂંગળાઈ રહ્યો છું આ નાના શા શરીરમાં
પોતનો સાચો આકાર ન બતાવી શકવાનું કારણ
મને, તને અને અન્યને

કોણ આવી રહ્યું છે સામે વરસાદમાં ભીંજાતું ?
ગરીબ ?
રોગી ?
વ્રુદ્ધ ?
મ્રુતાત્મા ?
બાળકીની આંખો બંધ ન કરો

મારે લઈ લેવા જોઈએ એક ચશ્મા
અને તારે એક રામાયણની પોથી
કારણ કે ઉત્સવ પૂરો થઈ ચૂક્યો છે

કે સચ્ચિદાનન્દન [ મલયાલમ કવિતા ]

અનુવાદક શકુંતલા મહેતા
* કુડક માણિક્ય મંદિરનો સંદર્ભ છે જ્યાં ભરતની પૂજા થાય છે

+ ચક્ર: ઉત્તર રામાયણમાં આ સંદર્ભ છે મલયાલમ ભાષામાં સિક્કાને ચક્ર કહેવામાં આવે છે