કુસુમાગ્રજ

Gandhiji stસંવાદ
તમે જયારે
મારી કવિતા સાથે બોલતા હો
ત્યારે મારી સાથે બોલતા નહીં ,
કારણ કે મારી કવિતામાં
મોટે ભાગે
હું જ હોઈશ ઘણોબધો,
પણ મારા બોલવામાં તો
તમે જ હશો
ઘણી વાર.
-:-:-:-:-:-:
સમાધાન

જયંતીની
પાછલી રાતે
ચારે બાજુ સૂમસામ થયા પછી
પૂતળાએ
ખંખેરી નાખ્યા
શરીર પર ભેગા થયેલા
અસંખ્ય નમસ્કાર
અને તે ગણગણ્યું :
સદભાગ્યે
આવતી જયંતી સુધી
મારે ફક્ત
કાગડા જ
સહન કરવા પડશે.
– – – : : : : : : : : : – – – –
આખરની કમાઈ

મધરાત વીત્યા પછી
શહેરનાં પાંચ પૂતળા
એક ચોતરા પર બેઠાં
અને આંસુ સારવા લાગ્યાં .
જ્યોતિબા બોલ્યા,
છેવટે હું થયો
ફક્ત માળીનો .
શિવાજીરાજા બોલ્યા,
હું ફક્ત મરાઠાનો .
આંબેડકર બોલ્યા,
હું ફક્ત બૌદ્ધોનો .
ટિળક ઉદગાર્યા
હું તો ફક્ત
ચિત્પાવન બ્રામ્હણોનો ,
ગાંધીએ ગળાનો ડૂમો સંભાળી લીધો
અને તે બોલ્યા,
તોયે તમે નસીબદાર
એક એક જાતજમાત તો
તમારી પાછળ છે.
મારી પાછળ તો
ફક્ત સરકારી કચેરીની દીવાલો.
કવિ કુસુમાગ્રજ
અનુવાદ જયા મહેતા