જ્યારે કલા કલા નહીં જીવન બની જશે
મારું કવન જગતનું નિવેદન બની જશે.
– – – – – – — ———-
હ્રદયનું રક્ત નયનનાં ઝરણ જીવનનો નિચોડ
ભળે તો ગઝલોમાં આવે છે તરબતર બાબત
– – – – –
હું તો તરણું છું હું તો તરવાનો
નુહ પાસે ભલે જહાઝ હશે.
– – – – – – –
આંખો મીંચીને ચાલશું અંધકારમાં મરીઝ
શંકા વધી જશે તો સમર્થન બની જશે.
– – – – – – – –
સનમ હવે આ જમાનામાં કોઇ ભય કેવો
હવે તો લોકોનાં ટોળાં જ છે સમાજ નથી
– – – – – – —
સમય ચાલ્યો ગયો જ્યારે અમે મ્રુગજળને પીતા’તા
હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યાં છે
– – – – – — – – – —
અહીં તો એકધારી જિંદગી વીતી છે વર્ષોથી
તમે માનો કે જીવનના બધા સરખા દિવસ ક્યાં છે
— – – – – – —–
કાયમ રહી જો જાય તો પેગંબરી મળે
દિલમાં જે એક દર્દ કોઇ વાર હોય છે
– – – – – – – –
જો પહોંચવું હો તો મંઝિલનો પ્રેમ પણ રાખો
ફક્ત ગતિના સહારે સફર નથી બનતી
– – – – — – – —
આવીને આંગળીમાં ટકોરા રહી ગયા
સંકોચ આટલો ન કોઇ બંધ દ્વાર દે
– – – – – – – –
તકની રાહ જોવી નથી મારું ગજું
જે પ્રસંગો છે એ મોકા થૈ ગયા
– — – – —
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી
– — – – – – – ——
મરીઝ હું તો ગઝલ મારી ગમે ત્યારે લખી લઉં છું
સમયની હો જે પાબંદ તે પ્રતિભા થઇ નથી
– —-સંપાદન
રાજેશ વ્યાસ “મિસ્કીન” ( ‘સમગ્ર મરીઝ’ )