એક અછાંદસ વરસાદી સાંજ – નેહલ

pic by Shishirpal singh
pic by Shishirpal singh

ઘાટઘૂટ વિનાના ધરતીના વાસણને ,
એવાં  જ વાંકાચૂકા વાદળોના ઢાંકણ .
આવ્યા પાછા ભૂખરા દિવસો.
સામેના સઘળા દૃશ્યોને
ફેરવે છે કાળી-ધોળી પીંછી
લે સમયની ગતિને બાનમાં
વરસે મુશળધાર ઝડી ,
આવ્યા પાછા  ગોકળગાયની ઝડપે સરતા દિવસો.
હુંફાળી સુરજની આગ પર
નાંખે કોઈ રાખની પછેડી.
ભીની થથરતી કબૂતરની પાંખ એક સરખા તાલબદ્ધ મલ્હારના રાગમાં ટહુકાઓ સહુ ડૂબ્યા.
આવ્યા પાછા દેડકાં ની ડ્રાઉં ડ્રાઉં ની તાલે તમરાં ની તાનના દિવસો.
– નેહલ