થીજેલી ક્ષણો – નેહલ

આલ્બમ ઉઘડ્યુંને;
થીજેલી ક્ષણોના કરા વરસે.
થીજેલાં સ્મિત કાચની ધાર શાં વાગે;
થીજેલા સંબોધનો કાંટા શા ઉગે.
થીજેલો છોડી દીધેલો હાથ અનેwpid-fb_img_1434884371123.jpg
થીજેલા છોડી ગયેલા સાથ,
આંખોમાં બળતરા આંજે.
થીજેલા સાદ પૂરે કાનોમાં સુનકાર.
થીજેલા મોકળા દરવાજા ના દે આવકાર.
થીજેલો રસ્તો ચાલે બહુ પણ ક્યાંય પહોંચાડે નહિ .
થીજેલી હવા કાંઈ સ્મરણોને તો ઉડાડે નહિ.
થીજેલો વરસાદ ભીંજવે નહિ ને;
થીજેલી આગ ગઈકાલના ટુકડા પીગાળે નહિ.
થીજેલા ફુલો મ્હેકે તો નહિ ને
એવાં ફુલો પર પંખીઓ ચહેકે નહિ.
થીજેલી ક્ષણો ની ઠંડક આજ ને ધ્રુજાવે.
કોઈ આલ્બમ બંધ કરો ને
કદાચ વસંત આવે !
-નેહલ