અનુભવબિન્દુ-અખો

આપણી ભાષામાં કોઇ તત્ત્વજ્ઞ કે જ્ઞાની કવિ અખા સિવાય હજી બીજો કોઇ પાક્યો નથી, જેણે કીટ્સના શબ્દોમાં કહીએ તો ‘તત્ત્વજ્ઞાન આપવાની હિંમત કરી હોય.’
-ઉમાશંકર જોશી, ‘અખો-એક અધ્યયન’

* શબ્દજાળ માયાનું કૂડ, ત્યાં નરપશુ પડે મતિમૂઢ,
શણગારી વાણી સૌ ગાય, મોહ્યા જીવ સાંભળવા જાય,
અખા ! શું વાંચ્યું સમજ્યો કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું,

‘ જડભક્તિઅંગ’

* પંડિત પંડિતાઇનું જોર, પણ અંત કરણમાં અંધારું ઘોર,
અખા તે થકી પ્રાકૃત ભલા, જો આવે સમજ્યાની કળા.

‘ફુટકળ અંગ’

* ‘જ્ઞાનીની કવિતા ન જાણીશ, કિરણ સૂર્યના કેમ વરણીશ,
શબ્દતણો છેડો કેમ થાય, આકાશને કેમ તોળ્યું જાય.’
‘કવિ અંગ’

* “અખો શું કવિતાપણું કરે, વાત કશી ન પોચે શરે;
કે લેવું કે મૂકવું કહે, તે તો ત્યાં આઘેરું રહે.
______ ____ ___ _____ _______

* મોટા મંદિર મહીં, તહીં છે કાચ જ ઢાળ્યા;
નીલ પીત બહુ રંગ, રંગના ભેદો ભાળ્યા.
ઊગ્યો શશી કે સૂર, દૂરથી અંતર ઝળકે;
દેખાડે બહુ રૂપ, ધૂપ વિવિધ પેર ચળકે.
અખા ઉપર અવલોકતાં, તહાં તેમનું તેમ છે;
તેમ ત્રિલોકી જાણજે, વસ્તુ વડે એ એમ છે (27)

સમજૂતિ : ( એક ) મોટી હવેલીમાં કાચ જડ્યા છે. (એમાં ) ભૂરો, પીળો એમ અનેક રંગના ભેદ જણાય છે. (જાણે) ચંદ્ર કે સૂર્ય ઊગ્યો .દૂરથી (આકાશમાં) ઊગેલા એના કિરણો પ્રતિબિંબ રૂપે પેલા કાચમાં -અંતરમાં ઝબકે છે. (અને તે) બહુ રૂપ દેખાડે છે. ધૂપ (પરાવર્તિત કિરણો) વિધવિધ પેરે ચમકે છે. અખો (કહે છે કે) ઊપર આકાશમાં જોતાં ત્યાં તો તેમ નું તેમ જ છે (અર્થાત આકાશમાં પ્રકાશતો સૂર્ય કે ચંદ્ર તો એ જ છે પણ પેલાં કાચમાંથી પરાવર્તિત કિરણો માં અનેક માયાવી રૂપ છે.) તે જ રીતે ત્રિભુવન (ત્રણે લોક)ને માયાવી જાણજે . વસ્તુ (બ્રહ્મ) વડે એ એમ (દેખાય) છે. (27)

* સાધન સર્વ વિચાર, બુદ્ધિથી જોને શોધી;
હું નહિ, તું નહિ, તેહ, એહ ઘર મૂક વિરોધી.
ગુરુ થા તારો તું જ, જૂજવો કો નથી ભજવા;
બાહેર બુદ્ધિ તું ટાળ, વાળ અંતર પેસવા.
જેમ છે તેમનું તેમ અખા, થયું ગયું કાંઇ નથી;

આપેઆપ આનંદઘન, સ્વસ્વરૂપ જોયું મથી. [31]

સમજૂતિ સર્વ સાધનોનો વિચાર કર. બુદ્ધિથી એને ચકાસી જો. ત્યાં હું નહીં -તું નહીં એવા ધામનો વિરોધ મૂક.તું જ તારો ગુરુ થા.તારાથી ભિન્ન બીજો કોઇ ભજવા માટે નથી.બાહ્યબુદ્ધિ ટાળ અને અંતર્મુખ બન.તો તને જણાશે કે ધામ તો જેમ છે તેમનું તેમ છે.માટે અખો કહે છે કે ત્યાં કશું થયું નથી કશું ગયું નથી.આપ પોતે જ પરમ આનંદસ્વરુપ છે. એ સ્વસ્વરુપ મેં પ્રયત્નપૂર્વક જોયું ….[31]