ખજૂરાહોની હું યૌવનમૂર્તિ,
વસંતના અવનવા મરોડો પાષાણમાં સાચવતી
હું ચિત્રવત્ સ્તબ્ધ કાવ્ય હતી.
સ્પર્શે ઝંઝાવાતી મલયાનીલો, કસ્તુરી-મ્રુગ શી દશા થતી.
ઝાકળનાં કૂણા સ્નાનોને, શ્રાવણ-અશ્રુએ ધોવાતી.
લેપ ચડે સંધ્યાની લાલિમા, અંધકારમાં ખોવાતી.
વજ્ર સમી પીડાની ચીસથી ગગનસમી હું વિંધાતી
ખજૂરાહોની હું યૌવનમૂર્તી….
મૂક હ્ર્દયનું ઘેરું રુદન, પ્રણય-કેલિઓનાં મુસ્કાન;
અનેક ભાવના આટાપાટા, પ્રકટાવે ના મુજ માં પ્રાણ.
શરદ-વસંતની કરડી થાપો, જાણે પ્રસૂતિ કેરો કાળ;
પીડાઓ સઘળી વ્હોરી ના જનમાવ્યો કો શૈલ-બાળ.
ખજૂરાહોની હું યૌવનમૂર્તી…..
તણખલાં, તરણાંને જાણે ઉગવાની અહીં ના પડી;
અહલ્યા બનવું ન હતું, રામની પગલી ના અડી.
મમ અદ્ ભૂત લાવણ્યની છાયા, કો ભાવકને નયન અડી
છોડી મુક્તાવલ વનોની આર્ટગેલેરી ગોખ ખડી.
ખજૂરાહોની યૌવનમૂર્તી….
આજ અચાનક સ્પર્શ મ્રુદુલ કો જગવે મુજ ઉર માં સ્પંદન;
વંધ્ય અંક મારો ગજવે કો બાળપંખીનું ક્રન્દન.
સર્વ ચેતના જાગી મારી, છૂટ્યાં મારાં સૌ બંધન
સહસ્ત્રધારે વહી ભીંજવતા સ્તન મારાં જડને ચેતન….
-નેહલ
[ આ કાવ્યને નવું કલેવર ધારણ કરાવામાં મુ. જયદેવમાસાનો અમૂલ્ય ફાળો છે ]